Sunday, December 8, 2024

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....?????



‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’


કોઈપણ ભાષાની લિપિ (લખવાની પધ્ધતિ) નક્કી થાય છે તે ધ્વનિ આધારિત હોય છે. લોકો જે બોલે છે એ જ ધ્વનિ એવી રીતે લખીને આપવો કે જેથી વાંચનાર પણ એ જ ધ્વનિ સમજીને બોલી શકે. જ્યારે આપણે કંઠમાંથી ‘ક’ કે ‘ઘ’ બોલીએ છીએ ત્યારે બે બાબતો એક સાથે બને છે. બોલનાર અને સાંભળનાર વ્યક્તિના મનમાં ‘ક’ અને ‘ઘ’નો આકાર (Lingual Visualization) સ્પષ્ટ થાય છે. એમ, જ્યારે આપણે ક્યાંય આ આકાર જોઈએ છીએ ત્યારે એ જ ધ્વનિ (કંઠમાંથી) ઉચ્ચારીએ છે. ટૂંકમાં, લિપિ અને ધ્વનિ-ઉચ્ચાર પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે (Lingual Visualization and sound). પણ, પહેલા ધ્વનિ આધારિત ભાષા બની છે. લિપિનું સંશોધન પછી થયું. એટલે કે, ભાષા પહેલા લોકોના મુખમાં ઉત્પન્ન થઈ છે, હાથમાં (લખાણમાં) પછી આવી છે.






એમાં, ‘ર’ વિશે ખાસ મંથન કરવા જેવું એટલા માટે છે કે, માત્ર એ જ એક એવો ધ્વનિ છે જેની જુદી જુદી ત્રણ માત્રાઓ નક્કી કરવામાં આવી છે. કઈ?
૧. મૂળાક્ષરને ત્રાંસી લીટી મૂકીએ છીએ તે : ક્ર, પ્ર, વ્ર (રકાર કહેવાય)
૨. મૂળાક્ષરની ઉપર અર્ધચંદ્ર મૂકીએ છીએ તે : ર્ક, ર્પ, ર્વ  (રેફ કહેવાય) અને
૩. મૂળાક્ષરની નીચે અર્ધચંદ્ર મૂકીએ છીએ તે : કૃ, પૃ, વૃ (ઋની માત્રા કહેવાય)
(ધ્યાન રહે કે, ઋ પોતે એક સ્વર છે.)

હવે આ ત્રણેને સમજીએ તે પહેલાં એક બીજી બાબત ધ્યાનમાં લેવી પડશે.
ગુજરાતીમાં આપણે અરધા (ખોડા) અક્ષરો પણ વાપરીએ છીએ. જેમકે, ‘મસ્ત’માં સ્ ખોડો અને ત આખો છે અને ‘વત્સ’ ત્ ખોડો અને સ આખો છે. એટલે કે, કોઈપણ અક્ષર અન્ય કોઈ અક્ષર સાથે ખોડો વાપરી શકાય છે. એ માટે અક્ષરને અરધો તોડીને લખવાની પધ્ધતિ અપનાવાઈ છે. ક થી જ્ઞ સુધી તમામ મૂળાક્ષરો અર્ધા કે અડાડીને લખી શકાય છે, પણ તકલીફ માત્ર ‘ર’ને પડે છે. એને અરધો કેવી રીતે લખવો? (ખોડો ચ- પણ ર જેવો જ થાય) અને ‘ર’ને અન્ય અરધો મૂળાક્ષર કેવી રીતે લગાવવો? ‘ખર’માં મારે ‘ખ’ ખોડો લેવો હોય તો કેવી રીતે લખું?

બસ, આ પ્રશ્નના નિરાકરણ માટે ‘ર’ની ત્રણ માત્રાઓ ગોઠવવામાં આવી છે. વિગતવાર સમજીએ:
૧) જેમ તમામ મૂળાક્ષરોને અ, આ, ઈ, ઊ, વગેરે બાર માત્રાઓ લાગે છે તેમ ‘ર’ને પણ લાગે છે એ આપણે સૌ જાણીએ છીએ. ‘ર’ને હ્રસ્વ ‘ઉ’ = રુ લખાય છે પણ દીર્ઘ ‘ઊ’ લખીએ ત્યારે રૂ લખાય (રૂપિયામાં આવે તે) છે. આ અક્ષર ટેવવશ બનેલો છે. જેમ કૂ, લૂ, હૂ, લખીએ તેમ ‘ર’ની નીચે ‘ઊ’ની માત્રા પેન ઉપડ્યા વગર લખો તો રૂપિયાવાળો ‘રૂ’ જ થશે. (પ્રયાસ કરી જૂઓ). એમ, ‘જ’ ને દીર્ધ ઈની માત્રા પેન ઉપડ્યા વગર લખો તો ‘જી’ લખવો સરળ પડે છે. એટલે કે, કેટલાક અક્ષરો લિપિ (લખાણ)ની સરળતા માટે અપનાવ્યા છે.  

૨) ખોડો ‘ર્’: ખોડો અક્ષર આખા અક્ષરની પહેલા લખાય છે. આગળ કહ્યું તેમ અરધો ‘ર’ લખી શકાતો નથી તેથી એને માટે આખા મૂળાક્ષર પર અર્ધચંદ્ર મૂકાય છે. એને ગુજરાતીમાં ‘રેફ’ કહેવાય છે. જે મૂળાક્ષર પર ‘રેફ’ હોય એની પહેલા ‘ર’ બોલાય છે. જેમકે, કર્મ = કરમ, ફર્ક = ફરક. આવો (અર્ધો) અરધો ‘ર’ બોલીમાં આખો થઈને રૂઢ થયેલો જોવા મળે છે. આ શબ્દો તપાસો : ધર્મ (ધરમ), શર્મ (શરમ), સર્પ (સરપ), નર્મદા (નરમદા),  પૂર્વ, શરત, મરદ વગેરે 

૩) ‘ર’ની પહેલા અન્ય કોઈ ખોડો મૂળાક્ષર: આગળ કહ્યું તેમ અરધો અક્ષર ‘ર’ સાથે લખી શકાતો નથી તેથી એને માટે (/) નીચે લીટી મૂકાય છે. ધ્યાન આપજો : ક્ર, ખ્ર, ગ્ર વગેરેમાં ર આખો છે અને અનુક્રમે ક, ખ, ગ ખોડા છે. એટલે બોલતી વખતે અન્ય જોડાક્ષરોની જેમ જ અરધો અક્ષર પહેલાં અને આખો અક્ષર ‘ર’ પછી બોલાય છે. જેમકે, ક્રમ = ક્-રમ, ભ્રમ = ભ્-રમ. અહીં ‘ર’ આખો છે અને એની સાથે જોડાયેલો અરધો મૂળાક્ષર પણ બોલીમાં આખો થઈને રૂઢ થયેલો જોવાં મળે છે. આ શબ્દો તપાસો : કદ્ર, કબ્ર, પ્રકાશ, ચક્ર, શુકરવાર બોલીમાં, લખાય શુક્રવાર.

૪) ઋની માત્રા : એક એવો પ્રશ્ન મને કોઈએ પૂછેલો કે ‘ગૃપ’ આમ લખીએ કે ‘ગ્રુપ’ આમ લખીએ શું ફેર પડે?
મેં કહ્યું તેમ, લખવાની પદ્ધતિ બોલીમાં રૂઢ થયેલા ધ્વનિને આધારે નક્કી થઈ છે. જે રીતે તમામ વર્ણોને અન્ય સ્વરોની માત્રા લાગે ત્યારે એ માત્રાને છૂટી પાડી શકાય નહીં. એમ, જ્યારે મૂળાક્ષરને ‘ઋ’ સ્વરની માત્રા લાગે છે ત્યારે એમાં રહેલો ‘ર’ છૂટો પાડીને નથી બોલી શકતો. 
પા = પ્ + આ થાય છે, કૂ= ક્+ ઊ છે,
પૃ =  પ્ + ઋ છે, કૃ = ક્ + ઋ છે. 
ઋ પોતે સ્વર છે એટલે એને મૂળાક્ષરથી છોટો પાડીએ તો એ ખોડો મૂળાક્ષર જ રહે.    
(/) નીચે લીટી કરીએ (રકાર) તો એ આખો ‘ર’ છે અને એને છૂટો પાડીને પણ બોલી શકાશે. જેમકે, ધ્રુજવું – ઘરુજવું (બોલી જવાશે. ઘણાં બોલે પણ છે.) 
રેફને પણ છોટો પાડીને બોલી શકાશે. જેમકે, દર્દ= દરદ     
પણ ‘સૃષ્ટિ’ને –સરુષ્ટિ નહિ બોલાય. હવે, વિચારો ગૃપ છે કે ‘ગરુપ’ છે?
આ શબ્દો તપાસો : વૃતાંત, કૃતિ, પ્રવૃત્તિ, ધૃવ, ગૃહ 
ઋ પોતે માત્રા છે, સ્વર છે એટલે એને અક્ષરથી છૂટો પડાશે નહીં અને એને બીજી કોઈ માત્રા પણ લાગશે નહીં. એક અક્ષરને એક જ માત્રા લાગે. કૃને એક માત્રા કૃે શક્ય છે?  
#copy 

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...