Wednesday, April 7, 2021

મહિલાઓએ ડૉ.આંબેડકરને શામાટે યાદ કરવા જોઈએ વાંચો...

 





મહિલાઓએ ભીમરાવ આંબેડકરનો શામાટે આભાર માનવો જોઈએ?

‘બેટી બચાવો, બેટી પઢાઓ’નું સૂત્ર ગાજે છે. Women's empowerment-મહિલા સશક્તિકરણની વાત કરવાની રાજકીય નેતાઓમાં હરિફાઈ થઈ રહી છે. ભારતમાં મહિલા સંબંધી બદલાવના ખરા નાયક ભીમરાવ આંબેડકર [14 એપ્રિલ 1891-6 ડીસેમ્બર 1956] હતા. 5 ફેબ્રુઆરી 1951 ના રોજ આંબેડકરજીએ સંસદમાં ‘હિન્દુ કોડ બિલ’ રજૂ કર્યું હતું. તેનો હેતુ હિન્દુ મહિલાઓને સામાજિક શોષણથી મુક્ત કરવા અને પુરુષોની બરોબર અધિકાર આપવાનો હતો. ભારતમાં મહિલા અધિકારો અંગે જુદી જુદી માન્યતાઓ હતી. એક માન્યતા હતી કે મહિલા; ઘન/વિદ્યા/શક્તિની દેવી છે ! મનુ સંહિતામાં લખ્યું છે કે જ્યાં નારીની પૂજા થાય છે; ત્યાં દેવતા પ્રસન્ન રહે છે ! ઋગ્વેદમાં દીકરીના જન્મને દુ:ખોની ખાણ અને દીકરાના જન્મને આકાશની જ્યોતિ માનવાનું લખ્યું છે. ઋગ્વેદમાં નારીને મનોરંજન સ્વરુપે દર્શાવી છે; નિયોગપ્રથાને પવિત્ર કાર્ય માનવામાં આવ્યું છે. અથર્વવેદમાં કહ્યું છે કે દુનિયાની બધી મહિલાઓ શૂદ્ર છે ! મનુસ્મૃતિ કાળથી મહિલાઓના અપમાન અને અન્યાયની પરાકાષ્ઠા હતી. મનુસ્મૃતિએ મહિલાઓની સ્વતંત્રા છીનવી લીધી હતી : ‘બાળપણમાં પિતા; યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર એની રક્ષા કરે; મહિલા સ્વતંત્ર થવા લાયક નથી !’ મનુસ્મૃતિમાં મહિલાઓને જડ/મૂરખ અને કપટી સ્વભાવની માનવામાં આવી છે અને શૂદ્રોમાં માફક અભ્યાસથી વંચિત રાખવામાં આવી છે. મનુએ કહ્યું છે કે પત્ની અને દાસને સંપત્તિ મેળવવાનો હક્ક નથી. આંબેડકરજીએ મહિલાઓને એ અધિકારો આપ્યા જે મનુસ્મૃતિએ નકાર્યા હતા ! જાતિ/લિંગ અને ધર્મનિરપેક્ષ બંધારણમાં એમણે સામાજિક ન્યાયની કલ્પના કરી હતી.

‘હિન્દુ કોડ બિલ’માં મુખ્ય ચાર બાબતો હતી : [1] હિન્દુઓમાં બહુવિવાહ પ્રથા સમાપ્ત કરી માત્ર એક વિવાહ પ્રથાની જોગવાઈ. [2] મહિલાઓને સંપત્તિમાં અધિકાર આપવો અને ગોદ લેવાનો અધિકાર આપવો. [3] પુરુષોની જેમ મહિલાઓને છૂટાછેડાનો અધિકાર આપવો. હિન્દુ સમાજમાં પહેલા પુરુષો જ છૂટાછેડા આપી શકતા હતા ! [4] આધુનિક અને પ્રગતિશીલ વિચારધારા મુજબ હિન્દુ સમાજને એક કરી મજબૂત બનાવવો.

મહિલાઓએ ભીમરાવ આંબેડકરનો શામાટે આભાર માનવો જોઈએ? આંબેડકરજી માનતા હતા કે ખરા અર્થમાં પ્રજાતંત્ર ત્યારે આવશે જ્યારે મહિલાઓને પિતાની સંપત્તિમાં સરખો હિસ્સો મળે. પુરુષોની જેમ સમાન અધિકાર મળે. મહિલાઓની ઉન્નતિ ત્યારે થાય જ્યારે એને પરિવાર/સમાજમાં સરખો દરજ્જો મળે. શિક્ષણ અને આર્થિક વિકાસ તેને મદદ કરે. જેવું ‘હિન્દુ કોડ બિલ’ સંસદમાં રજૂ કર્યું એટલે સંસદમાં અને બહાર ઊહાપોહ મચી ગયો. સનાતની/રુઢિચુસ્ત હિન્દુઓમાં કકળાટ શરુ થયો. એટલું જ નહીં, આર્યસમાજીઓએ પણ વિરોધ કર્યો ! સદનમાં બિલને સમર્થન મળતું ન હતું. આંબેડકરજી ચિંતામાં હતા; તેમણે કહ્યું હતું : ‘મને ભારતીય બંધારણના નિર્માણ કરતા વધુ રસ અને ખુશી હિન્દુ કોડ બિલ પાસ કરાવવાથી મળશે !’ આખરે 26 સપ્ટેમ્બર  1951 ના રોજ નેહરુએ બિલ પરત લીધું. આ બિલ પાસ ન થયું તેથી આંબેડકરજીને ‘પુત્રનિધન’ જેટલું દુખ થયું હતું ! બીજા દિવસે આંબેડકરજીએ મંત્રીપદથી રાજીનામું આપી દીધું. આ એ દર્શાવે છે કે તેમને મહિલા અધિકારો પ્રત્યે કેટલો લગાવ હતો. મહિલા સંગઠનોએ હિન્દુકોડ બિલની તરફેણ કરી. વિદેશમાં પણ આંબેડકરજીની તરફેણમાં પ્રતિક્રિયા વ્યક્ત થઈ. પાંચ વર્ષ પછી 1955-56 માં હિન્દુ કોડ બિલની અધિકાંશ જોગવાઈઓ જુદા જુદા ભાગોમાં સંસદમાં પસાર કરી : [1] હિન્દુ વિવાહ અધિનિયમ. [2] હિન્દુ છૂટાછેડા અધિનિયમ. [3] હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ. [4] હિન્દુ દત્તક અધિનિયમ. ભારતીય સમાજમાં મહિલા સશક્તિકરણનો પાયો આંબેડકરજીના પરિશ્રમના કારણે નખાયો હતો. મહિલાઓને સમાન તક મળી; મહિલાઓને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ મળી તે આંબેકકરજીના કારણે જ શક્ય બન્યું છે ! ~ રમેશ સવાણી 

No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...