Thursday, March 19, 2020

ચકલી દિન 20.march 2020




આજે ચકલી દિન આવો ચકલી દિન વિશે જાણીએ

20 માર્ચ 2010 નો દિવસ કાંઈક ખાસ દિવસ હતો. આ દિવસ વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત વિશ્વ ચકલી દિન (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવી. ત્યાર્થી શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવ અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે.

આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે-‘ચીં…ચીં..’. ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે !
માનવામાં નથી આવતું? જરા વિચારો, આજથી 5-6 વર્ષ પહેલાં આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવાં મળતી તેટલી ચકલીઓ આજે જોવા મળે છે ખરી ? જી ના. નથી મળતી. આ ટચૂકડી ચકલીઓ આપણા પર્યાવરણ અને ‘ઈકોસીસ્ટમ’નો ખૂબ અગત્યનો ભાગ છે. તેમને લુપ્ત થવા દેવી એ આપણા પર્યાવરણને પોસાય તેમ નથી. ઝીણાં અવાજે ચીં….ચીં… કરી પોતાને બચાવી લેવાની અપીલ કરતી ચકલીઓનો અવાજ દરેકે-દરેક લોકોના કાન સુધી પહોંચતો કરવા માટે ‘નેચર ફોરેવર’ સોસાયટી નામની સંસ્થા મેદાને પડી છે. ‘ચકલી’ બચાવ અભિયાન’ ને લોકો સુધી પહોંચતું કરવા આ સંસ્થા દ્વારા 20 માર્ચ 2010 ના ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ ઉજવાઈ ગયો. અને આ વર્ષ 2010 માટે ‘હેલ્પ હાઉસ સ્પેરો’ની થીમ પસંદ કરાઈ. નેચર ફોરેવરની સાથે BNHS (બોમ્બે નેચરલ હેસ્ટરી સોસાયટી), ઈકોસીસ ફાઉંડેશન (ફ્રાંસ), કોર્નેલ લેબ ઓફ ઓર્નીથોલોજી (USA), એવોન વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ (UK) જેવી સંસ્થાઓ અને સંગઠનો સહયોગી છે.
ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પંખી અને સૌથી સામાન્ય-વિપુલ રીતે જોવા મળતાં પંખીનો ખિતાબ ધરાવે છે. પ્રાણીઓમાં કૂતરાની જેમ જ પંખીઓમાં ચકલીઓએ માનવીનો વિશ્વના દરેક પ્રદેશોમાં સદા માટે સાથ નિભાવ્યો છે. ચકલીઓને આપણી સાથે એટલું ગોઠી ગયું છે કે માનવવસ્તી થી દૂર રહેવું- જીવવું તેમના માટે શક્ય જ નથી. માંડ 10-20 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતા આ પંખીએ વિશ્વના નકશા પરનાં લગભગ બધા દેશોમાં વસવાટ કર્યો છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, તથા અમેરિકા. આમ પૃથ્વીનાં મોટા ભાગનાં ખંડોને ચકીબેને પોતાનું ઘર બનાવ્યું છે. ખૂબ ગીચ જંગલો, રેગીસ્તાન અને વર્ષનો મોટો ભાગ બરફથી છવાયેલા રહેતા પ્રદેશોને બાદ કરતાં જ્યાં પણ મનુષ્યો વસ્યાં છે ત્યાં ચકીબેન પણ જઈને વસ્યાં છે. તો પછી અચાનક એવું તે શું થઈ ગયું કે ચકલાંઓની સંખ્યા એકાએક ખતરનાક રીતે ઘટવા માંડી ? માનવવસ્તીની ખૂબ નજીક રહેવાંની અને તેમનાં પર વધુ આધારીત રહેતી ચકલીઓનાં વિનાશ માટેનાં કારણો તો ઘણાં છે પણ આ બધાં કારણો પાછળ જવાબદાર કોઈ હોય તો તે એક જ છે – મનુષ્ય ! ચકલીઓનાં અસ્તિત્વને મરણતોલ ફટકો આપવા માટે જો કોઈએ આરોપીનાં પીંજરામાં ઉભા રહેવું પડે તો તે આપણે પોતે જ છીએ !


આજે આપણે જે મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવી રહ્યાં છીએ તેણે વાસ્તવમાં આપણને પ્રકૃતિથી વેગળાં કરી નાખ્યાં છે. આની વરવી અસરો ફક્ત આપણને જ નહીં આપણી સાથે જોડાયેલાં પશુ, પક્ષી અને કુદરતનાં અન્ય તત્વો પર પણ પડી રહી છે. ચકલીની બાબતમાં પણ આવું જ થયું છે. હદ બહારનાં વાયુપ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, મોબાઈલ ટાવરોનાં સૂક્ષ્મતરંગો, મકાનોની બદલાયેલી રચના, બિલાડાં જેવાં રાની પશુઓની વધેલી સંખ્યા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો તથા દેશી વૃક્ષો-ફૂલ-છોડની જગ્યાએ શોભાના ગાંઠીયા જેવાં નકામાં વૃક્ષોનું મોટા પાયે થતું વાવેતર – આ બધાં જ મસ મોટાં જોખમો નાનકડાં ચકલાં માટે જીવન ટકાવવું દુષ્કર બનાવી રહ્યાં છે. બીજાં પક્ષીઓની જેમ ચકલાં વૃક્ષો પર માળા ન બાંધતાં માનવ વસાહતની આસપાસ ની જગ્યામાં જ માળા બાંધે છે. આથી જ ચકલાંઓનું અંગ્રેજી નામ ‘હાઉસ સ્પેરો’ – ‘ઘર ચકલી’ છે. માળો બાંધવા માટે તે મકાનો અને દીવાલનાં બાકોરાં, કૂવાની દિવાલો, ઘરની અંદરની અભેરાઈઓ, નળીયાં કે છાપરાં નીચેનાં પોલાણો, ટ્યુબલાઈટની પટ્ટીઓ, લેમ્પ-શેડ, ફોટોફ્રેમની પાછળની જગ્યાઓ વધુ પસંદ કરે છે. ચકલાંનો માળો મુખ્યત્વે ઘાસ, તણખલાં, રૂ, સાવરણીની સળીઓ, દોરાં વગેરેનો બનેલો હોય છે. આમ તો ચકલાનાં ખોરાકમાં અનાજનાં દાણાં, ઘાસનાં બીજ, વૃક્ષોનાં ટેટાં જેવાં ફળો, ઈયળ, કીટકો, ફૂદાં ઉપરાંત આપણો રોજ-બરોજનો લગભગ બધો જ ખોરાક તે એંઠવાડમાંથી મેળવીને ખાઈ લે છે. પરંતુ, જ્યારે બચ્ચાં નાનાં હોય છે ત્યારે તે મુખ્યત્વે કીટકો, ઈયળ, ફૂદાં જેવો ખોરાક ખવડાવે છે. બચ્ચાં મોટાં થઈને જાતે ખાતાં શીખે ત્યારે તે બધા પ્રકારનો ખોરાક લેતાં થઈ જાય છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલાંઓને તેમના જીવનનાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.

આજે ચકલાં માટે સૌથી મોટો પ્રશ્ન છે માળો બાંધવા માટેની સલામત જગ્યાનો. આપણી નવી બાંધણીનાં મકાનોમાં ગોખલાં, અભરાઈઓ, નળીયાં કે છાપરાં હોતાં જ નથી. હવે જો ચકલાં માળો જ ન બાંધી શકે તો તેમની વંશવૃધ્ધી જ ક્યાંથી થાય ? ચકલાંઓને સલામત રહેઠાણ આપવાં પૂઠાં, થર્મોકોલ, પ્લાસ્ટીક, લાકડાં કે માટલાંના બનેલાં બોક્સ કે જે ‘નેસ્ટ હાઉસ’ તરીકે ઓળખાય છે તે ઉત્તમ વિકલ્પ છે. આ પ્રકારનાં ‘નેસ્ટ હાઉસ’ ચકલાં ઉપરાંત બીજા અનેક પંખીઓ માટે સરસ મજાનાં ઘરની ગરજ સારે છે. આપણે વાત કરી તેમ ચકલાંના બચ્ચાંનો મુખ્ય ખોરાક નાના જીવડાં, કીટકો વગેરે છે. પરંતુ, આજે હદ ઉપરાંતનાં જંતુનાશકો અને રાસાયણીક ખાતરોના વપરાશ ને લીધે આવાં નાનાં-નાનાં અનેક કીટકો મરી પરવાર્યાં છે અથવા તો તેમની સંખ્યાંમાં ભારે ઘટાડો નોંધાયો છે. આમાં ઘણાં તો ખેતી માટે બિનહાનીકારક કે ઉપયોગી કીટકોનો પણ સમાવેશ થાય છે. વાહનોમાં વપરાતું ‘અનલીડેડ’ પેટ્રોલ પણ ચકલાંના ખોરાક એવાં કીટકોનાં નાશ માટે જવાબદાર છે. ‘અનલીડેડ’ પેટ્રોલના દહનથી વાતાવરણમાં ભળતું ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ એ અત્યંત ઝેરી સંયોજન છે. ‘મીથાઈલ નાઈટ્રાઈટ’ કીટકોનો સોથ વાળી દે છે. તેથી ચકલાંનાં નાનાં બચ્ચાંને પૂરતો અને પોષણક્ષમ આહાર મળતો નથી અને ઘણાં બચ્ચાં નાનપણમાં જ મૃત્યુ પામે છે. આથી ચકલાંની નવી પેઢી તૈયાર થવાનું જ ઘટી ગયું છે !

હજુ થોડાં વર્ષો પહેલાં આપણાં ઘર, ખેતર, વંડા, બગીચા ફરતે મોટા ભાગે મેંદી, થોર, બોરડી, બાવળ જેવા છોડ અને વેલાંઓની બનેલી કુદરતી વાડ કરવામાં આવતી હતી. ચકલાં માટે આ કુદરતી વાડ ખુબ જ આશીર્વાદ રૂપ છે. કુદરતી વાડમાંથી ચકલાંને કીટકો, ઈયળો, પતંગીયાં, ફળો જેવા ખોરાકનો પુરતો જથ્થો મળી રહે છે. ઉપરાંત આવી વાડ અને ઝાડી ચકલાંને આરામ કરવાની, રાતવાસો કરવાની અને દુશ્મનોથી બચવા-છુપાવાની આદર્શ જગ્યા છે. આજકાલ આપણે કુદરતી વાડને બદલે ઈંટની દીવાલ કે લોખંડના તારની વાડ બનાવીએ છીએ. જે પંખીઓ માટે ન તો આશ્રય પુરો પાડે છે ન તો ખોરાક. આથી જ ચકલાંનાં બચ્ચાં મોટાં થાય ત્યારે યોગ્ય આશ્રયના અભાવે કાગડાં, સમડી, બિલાડાં જેવાં શિકારી પશુ-પક્ષીઓની ઝપટે ચઢી જાવાની શક્યતા ઘણી વધુ રહે છે. એક અંદાજ મુજબ ચકલાંનાં બચ્ચાંમાંથી માંડ 25% જેટલાં બચ્ચાં જ પુખ્ત બને છે. બાકીનાં 75% તો મોટાં થતાં પહેલાં જ મૃત્યુ પામે છે અને અત્યારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો ચકલાંનો મૃત્યુ દર ઘણો ઊંચો હોવાનું મનાય છે. જ્યાં સુધી આપણને આધુનિકતા અને વૈશ્વિકરણની હવા સ્પર્શી નહોતી ત્યાં સુધી આપણે કુદરતની ઘણી નજીક જીવતાં હતાં. સવાર પડે ને પંખીને ચણ નાખવા ચબૂતરે જવું ત્યારે એટલું સાહજીક હતું જેટલું આજે ‘મોર્નીંગ વોક’ છે ! પરંતુ દિવસે-દિવસે આપણે સ્વકેન્દ્રી બનતાં જઈએ છીએ. મોટા શહેરોમાંથી તો ચબૂતરાં જ અદ્રશ્ય થઈ ગયાં છે ! વેકેશનમાં ગામડે જાઈએ ત્યારે બાળકોને ખાસ ચબૂતરાં શું છે તે દેખાડવામાં આવતાં હોય તેવી પરિસ્થિતિમાં બાળકોનો પણ પેઢીઓથી ચાલી આવતો પંખીઓ સાથેનો વિશેષ નાતો જ તૂટી ગયો છે.

શહેરની ગીચ વસ્તીમાં ચકલાં જેવાં પક્ષીઓ માટે ચણવાનાં દાણાં અને સલામત જગ્યાની પણ તંગી વર્તાઈ રહી છે. અરે ! પંખીઓ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટી જ સમૂળગી બદલાય ગઈ છે. પહેલાં હોંશથી આપણે ગાતાં કે ‘ચકીબેન ચકીબેન મારી ઘરે રમવા આવશો કે નહીં?’ ચકલાં માળાં બનાવે તો તેનું જતન થતું; માળો ફેંકી દેવાથી પાપ લાગશે તેમ મનાતું. જ્યારે હવે તો ‘ચકલાં આવશે અને ઘર બગાડશે’ એવું માની આપણે કહેવાતાં ચોખલીયાં અને એજ્યુકેટેડ લોકો ચકલાંઓને બેરહેમીથી ઉડાડી મૂકીએ છીએ ! અરે, સદીઓથી જે ચકલાં આપણી સાથે જ આપણાં જ ઘરમાં રહ્યાં છે તે હવે એકાએક જાય તો જાય પણ ક્યાં ? ‘ઈન્ટીરીયર ડેકોરેશન’નાં બણગાં ફૂંકનારા આપણે લોકો ઘર અને હૃદય બંનેનાં ઈન્ટીરીયરમાં આપણાં સદાના સાથી એવાં ચકલાંને સ્થાન નથી આપી શકતાં એ કેટલું વિચિત્ર ગણાય ?! ઘરની આધુનિક ડીઝાઈનમાં પણ ક્યાંય પ્રકૃતિ અને પંખીને ગોઠવાવાની જગ્યા જ નથી મળતી ત્યારે ખૂબ સરસ ઘર બનાવી આપતાં આર્કીટેક પણ જાણે સાચુકલાં ‘ઈકો ફ્રેંડલી’ ઘરનો વિચાર જ ભૂલી ગયાં હોય એવું લાગે છે !

ચકલાંમાં નર અને માદા વચ્ચે જે વાતચીત થાય છે તે ધીમા ચીં….ચીં… અવાજ વડે જ થાય છે. સંવવનઋતુમાં નર માદાને આકર્ષવા ગીતો ગાય છે જે સાંભળી માદા નરને પસંદ કરે છે અને ટોળાં વચ્ચે પણ જોડલું એકબીજાંને ઓળખી કાઢે છે. પરંતુ આજનાં ઘરોમાં તો જોર-શોરથી વાગતાં ઘોંઘાટીયાં સંગીતમાં બિચારાં ચકલાંનું ચીં..ચીં.. ક્યાંય દબાઈ જાય છે અને ચકલાં વચ્ચેની વાતચીતની આખી પદ્ધતિ ખોરવાઈ જાય છે; જેની ખૂબ ખરાબ અસર તેમના પ્રજનન પર પણ પડે છે. ઉપરાંત મોબાઈલનાં માઈક્રોવેવ તરંગો પણ ચકલાં માટે ખૂબ ત્રાસદાયક નીવડે છે. આ પણ એક વજનદાર કારણ છે જેને લીધે મોટાં શહેરોમાંથી ચકલાં અદ્રશ્ય થઈ રહ્યાં છે.

ચકલાંને બચાવવાં આટલું જરુર કરીએ.:-

[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
[5] બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...