Saturday, September 3, 2022

નારીકેલમ ફ્લહ-નાળિયેરના ફાયદા


 


નાળિયેરનો ઉપયોગ ધાર્મિક વિધિઓથી લઈને સ્વાસ્થ્ય અને સુંદરતાને નિખારવા તથા સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે પણ થાય છે. હિન્દુ ધર્મમાં શ્રીફળને શુભ માનવામાં આવે છે. મંદિરોમાં શ્રીફળ ચડાવવાની પૌરાણિક માન્યતાઓ પણ છે. પૂજા સામગ્રીમાં પણ શ્રીફળનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે, ભગવાનને શ્રીફળ અર્પણ કરવાથી દુ:ખ અને પીડાનો નાશ થાય છે. પૂજામાં શ્રીફળનો ઉપયોગ કેમ કરાય છે, જાણો તેના મહત્ત્વ વિશે.



નાળિયેરનું પૌરાણિક મહત્ત્વ

એવું માનવામાં આવે છે કે, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લાવ્યા હતા. નાળિયેરના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે. નાળિયેર ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય છે. શ્રીફળ પર બનેલી ત્રણ આંખોની તુલના શિવના ‘ત્રિનેત્ર’ સાથે કરવામાં આવે છે, તેથી જ નાળિયેરને શુભ માનવામાં આવે છે.


સ્ત્રીઓ નાળિયેર કેમ નથી વધેરતી?

શ્રીફળ એક બીજ ફળ છે. સ્ત્રીઓ બાળકોને બીજ સ્વરૂપે જન્મ આપે છે. નાળિયેર એ મહિલાઓની ગર્ભધારણ કરવાની ઈચ્છા પૂરી કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, સ્ત્રીઓ માટે નાળિયેર વધેરવાની મનાઈ હોય છે. એવું માનવામાં આવે છે કે, જો મહિલાઓ શ્રીફળ વધેરે, તો તેમનાં બાળકોને તકલીફ પડે છે.


ઘરના મંદિરમાં શ્રીફળ કેમ રાખવામાં આવે છે?

શ્રીફળને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. શ્રીફળને પૂજામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ નાળિયેરનું મહત્ત્વ છે. શુભ કાર્ય કરતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે.


એકાક્ષી નાળિયેરના ચમત્કારિક ફાયદા

નાળિયેરના અનેક પ્રકારોમાંથી એક એકાક્ષી નાળિયેરને દેવી માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ પાસે આ નાળિયેર હોય છે, તેના જીવનમાં ક્યારેય પૈસાની અછત સર્જાતી નથી. અતૂટ લક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે. ચાલો જાણીએ લક્ષ્મીનું રૂપ માનવામાં આવતા એકાક્ષી નાળિયેર સાથે જોડાયેલા ઉપાયો અને ફાયદા વિશે.


પૂજામાં નાળિયેર કેમ ચડાવવામાં આવે છે?

એવું માનવામાં આવે છે કે, ઋષિ વિશ્વામિત્રે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવી સ્વરુપવાળા નાળિયેરનું સર્જન કર્યું હતું. તેથી, નાળિયેરના કોચલા પર બે આંખો અને એક મોં બહાર રચાય છે. એક સમયે હિંદુ ધર્મના મનુષ્યો અને પ્રાણીઓનું બલિદાન એકસમાન વાત હતી પછી આ પરંપરાને તોડીને માણસ અને પ્રાણીઓની જગ્યાએ નાળિયેર ચડાવવાની પ્રથા શરૂ થઈ. પૂજામાં નાળિયેર ચડાવવાનો અર્થ એ છે કે, વ્યક્તિએ પોતાના પ્રમુખ દેવતાનાં ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે, પ્રભુ સમક્ષ તેનું કોઈ જ અસ્તિત્વ નથી, એટલા માટે પૂજામાં નાળિયેર ચડાવવામાં આવે છે.



નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે

શરીરમાં થાક અને નબળાઇ ન આવે અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નાળિયેર પાણી પીવું જોઈએ. વજનને કંટ્રોલમાં રાખવા માટે નાળિયેર પાણી પીવાથી ફાયદો થાય છે, તેનાથી ત્વચા પણ ચમકદાર બને છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારું છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડૉ. આર.પી.પારાશર પાસેથી નાળિયેરના ફાયદા વિશે જાણીશું.


નાળિયેરમાં સમાવિષ્ટ પોષકતત્ત્વો તમને હાઈ બ્લડપ્રેશર, હૃદય સાથે જોડાયેલી બીમારીઓ, હાડકાં સાથે જોડાયેલી બીમારીઓ, સ્થુળતાની સમસ્યા, સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ, પાચનની સમસ્યા, કિડની સ્ટોનની સમસ્યા વગેરે સામે રાહત આપે છે.



પ્રેગ્નન્સી દરમિયાન કાચા નાળિયેર ખાવાના ફાયદા

ગાયનેકોલોજિસ્ટ ડૉ. મીરાં પાઠક કહે છે કે, ‘પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જેના કારણે ડોક્ટરો કાચું નાળિયેર ખાવાની ભલામણ કરે છે. કાચા નાળિયેરમાં ઘણાં એવાં તત્ત્વ હોય છે કે, જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓને હાઇડ્રેટેડ રાખે છે એટલું જ નહીં, કબજિયાત, છાતીમાં બળતરા, મોર્નિંગ સિકનેસથી પણ રાહત આપે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થઈ શકે છે.’


જો કે પ્રેગ્નન્સી દરમિયાન કાચું નાળિયેર ખાવાથી મહિલાઓના શરીરમાં ફાયદાની સાથે-સાથે કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવું મહત્ત્વપૂર્ણ છે


કાચાં નાળિયેર ખાવાથી મહિલાઓને લાલ ફોલ્લીઓ કે ચહેરા પર ખંજવાળ આવવા જેવી એલર્જી પણ થઈ શકે છે.

પ્રેગ્નન્સી દરમિયાન કાચું નાળિયેર સ્ત્રીઓ માટે ગળાની તકલીફનું કારણ પણ બની શકે છે.

કાચા નાળિયેરમાં સુગર હોય છે, તેથી મહિલાઓએ તેના વધુ પડતા ઉપયોગથી બચવું જોઈએ.

કાચા નાળિયેમાં હાઈ સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે શરીરમાં હાઈ કોલેસ્ટેરોલની સમસ્યા વધારી શકે છે.


સૂકું નાળિયેર ખાવાના ફાયદા


સૂકા નાળિયેરમાં આયર્નની માત્રા વધુ હોવાને કારણે તે હૃદય અને મગજ માટે ખૂબ જ સારું સાબિત થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને શરીરને વાઈરલ ચેપથી પણ દૂર રાખે છે.

નાળિયેર ધમનીઓમાં પ્લેકને બનતા રોકે છે, જે હાર્ટ બ્લોકેજના કારણે થાય છે.

જો ત્વચા શુષ્ક હોય તો સૂકું નાળિયેર ખાવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. દરરોજ નાળિયેર ખાવાથી ત્વચામાં ચમક આવે છે અને તમામ પ્રકારના ડાઘ દૂર થાય છે.

સૂકું નાળિયેર શરીરમાં કોલેસ્ટેરોલના સ્તરને વધુ સારું રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં તંદુરસ્ત ચરબી હોય છે.



નાળિયેરની મલાઈ ખાવાથી થતા ફાયદા

નાળિયેરની અંદરનો ક્રીમ સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો પહોંચાડે છે. જાણો નાળિયેરની મલાઈ ખાવાથી સ્વાસ્થ્યને કેવા લાભ મળે છે?


તેમાં ગુડ કોલેસ્ટેરોલ હોય છે. તે ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડે છે અને હૃદય માટે ફાયદાકારક છે.

તેમાં મળતી ક્રીમમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન માટે ફાયદાકારક હોય છે.

નાળિયેરમાં મળતા ક્રીમને ‘પાવર હાઉસ ઓફ એનર્જી’ કહેવામાં આવે છે. તેને ખાવાથી એનર્જી મળે છે.

નાળિયેર ક્રીમમાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરીને કોઈપણ વાઈરસથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે.

નાળિયેરમાંથી બનતી વાનગીઓ

દક્ષિણ ભારતીયો રસોઈ માટે નાળિયેરનો ઉપયોગ કરે છે. નાળિયેરનું દૂધ અને ખમણેલા નાળિયેરનો ઉપયોગ દરરોજ રસોઈમાં થાય છે. જો તમે ખાવાના શોખીન છો, તો તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. લાડુ અને ચોખાથી લઈને ચટણી અને કુકીઝ સુધી નાળિયેરમાંથી ઘણી મીઠી અને નમકીન વાનગીઓ બનાવી શકાય છે.

નાળિયેરની છાલ પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે

આપણે ઘણીવાર નાળિયેરની છાલને નકામી સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ તેનાથી ઘરની સુંદરતા વધી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે કરશો નારિયેળની છાલનો ઉપયોગ


નાળિયેરની છાલમાંથી તમે કૂંડુ બનાવી શકો છો

તમે નાળિયેરની છાલનો કૂંડા તરીકે ઉપયોગ કરીને પૈસા બચાવી શકો છો. આ માટે તમારે નારિયેળના બે સરખા ભાગ કાપવા પડશે. નાળિયેરની સાઇઝ નાની હોય છે, તેથી તમે તેને ઘરની અંદર કે બહાર ગમે ત્યાં રાખી શકો છો. તેને જમીન પર મૂકીને સજાવટ કરી શકાય છે અથવા તો હેંગિંગ પ્લાન્ટની જેમ લટકાવી શકાય છે. નાળિયેરના છાલમાંથી હેંગિંગ પ્લાન્ટ બનાવવા માટે તમારે તેને ત્રણ દોરડાની વચ્ચે મૂકીને લટકાવવાનું રહે છે. પાણીવાળા નાળિયેરનો ઉપયોગ કૂંડા તરીકે પણ કરી શકાય છે.


નાળિયેરની છાલમાં પક્ષીઓને પાણી આપો

ઘણા લોકો નાળિયેરની છાલમાં પક્ષીઓ માટે પાણી અને ખોરાક રાખે છે. નાળિયેરને વચ્ચેથી બે સરખા ભાગમાં કાપીને તમે પક્ષીઓને ભોજન કે પાણી આપી શકો છો.


પેનસ્ટેન્ડ બનાવો

ઉપરથી નાળિયેરના છાલને કાપીને તેમાં છિદ્ર કરો. હવે તેને બોર્ડ પર ચોંટાડી દો. આમ કરવાથી પેન સ્ટેન્ડ તૈયાર થઈ જશે. તેને વધુ સુંદર બનાવવા માટે તમે તેને પેઇન્ટ પણ કરી શકો છો.



No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...