Friday, February 1, 2019

એક વાર્તા

ધ્વજવંદન.-પૂર્વી લુહાર
              મીન્નિ હમણાં હમણાં  ખુબ ખુશ હતી. મીન્નિ ભણવામાં ખૂબ હોશિયાર અને કળા કારીગરીમાં માહિર. શાળાની વિવિધ સ્પર્ધાઓના ઓડિશનમાં મીન્નિનું સિલેક્સન થઈ ગયું, ઘણા બધા સહપાઠી મિત્રો મીન્નિની  જલન કરતા કારણકે  આચાર્યના કડક નિયમો માંથી પસાર થઈને સીલેકશન થતુ હતું.મીન્નિના વર્ગના ઘણા બધા મિત્રો ઓડિશન પાસ ન કરી શક્યા જ્યારે મીન્નિનું સિલેક્સન ગૃપ ડાન્સ,સ્પીચ અને પરેડમાં થઈ ગયું જે પણ હોય મીન્નિ  ખૂબ ખુશ હતી. ઘરે આવીને એ પોતાની આ પરિસ્થિતિનું વર્ણન કરતી મા બિચારી કાઈ  સમજી શકતી નહીં પણ એટલું જાણતી કે પોતાની દીકરીને શાળામાં વધારે કામ હોવાથી ખેતરમાં કામ કરવા હમણાં-હમણાં લઈ જવી નહીં.

                    મીન્નિના દિલોદિમાગમાં પ્રજાસત્તાક પર્વ છવાઇ ગયું હતું ઘરે આવીને પણ એ કાર્યક્રમની પ્રેકટિશ કરતી આસપાસના ઝુંપડાના બાળકો એને જોઈ રહેતા ક્યારેક તો એ નિંદરમાં પણ લેફ્ટ-રાઈટ,લેફ્ટ-રાઈટ અને કોણ જાણે કેવા નારા બોલતી અભણમાં ઝબકીને જાગી જતી,થોડું મલકાઈને એ મીન્નિને તાકી રહેતી.

                                આ વખતે મીન્નિની શાળામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાકપર્વ ઉજવવામાં આવનાર હતો મોટા રાજકારણીઓ,નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવનાર હતા પ્રિન્સિપાલની કડક સુચના હતી કે પોગ્રામમાં કોઈ કમી ન રહેવી જોઈએ આખરે શાળાની આબરુનો સવાલ હતો.પ્રથમવારજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આ પ્રાઇવેટ શાળામાં ઉજવાઈ રહ્યો હતો.આથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવા લાગ્યા અને પોગ્રામની સફળતા માટે પ્રેક્ટીશ કરવા લાગ્યા.
                      શાળામાં આજે અચાનક ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને હોલમાં બોલાવવામાં આવ્યા અને સૌના હાથમાં એક લિસ્ટ પકડાવી દીધુ,જેમાં પોગ્રામને અનુરૂપ કૃતિમાટે વિવિધ પોષાક પહેરવાની ચીજ વસ્તુઓના નામ હતા. મીન્નિના હાથમાં પણ લિસ્ટ આવ્યું જેમાં સફેદ ખાદીનો ઝભ્ભો, કાળાબૂટ, લાલ ચશ્મા,કેસરી પટ્ટી વગેરે..   બધા બાળકો લિસ્ટ જોઈ ખુશ થઈ ગયા ઘરે જઈને મમ્મી-પપ્પાને આ લીસ્ટ આપશું અને આ બધી વસ્તુઓ પહેરવાનો મોકો મળશે. પણ મીન્નિ ખુણામાં ઉદાસ મોંએ બેસી ગઈ તેની પાસે કોઇ શબ્દો ન હતાં, શિક્ષકને  મીન્નિ પ્રત્ય ખુબ હમદર્દી હતી એમણે મીન્નિના માથે હાથ ફેરવીને પ્રેમપૂર્વક હાથ પકડીને કહ્યું : મીન્નિરાણી ચૂપ કેમ છે?  આ લિસ્ટમાં જે વસ્તુઓ છે એ કાલે લાવજે જેથી હું ચેક કરી લવ કયાંય ભૂલ તો નથીને વળી એ જ ડ્રેસકોડમા કાલે પ્રેક્ટીસ પણ થઈ જશે, મજા આવશે અને તારી સ્પિચ નો વિષય છે 'અખંડ ભારત ' ખાદીના કુર્તા માં તું આ ભાષણ આપીશ તો ખૂબ સુંદર લાગીશ ચાલ બધાનું લિસ્ટ તારે નથી જોવુ? મીન્નિ કંઇજ બોલી નહિ  આંખોમાં અશ્રુ ધારા સાથે વિનમ્રતાથી એણે શિક્ષકને કહ્યું --'મારી મા વિધવા છે ખૂબ જ મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે મારા નાના ભાઈ બહેનો માટે કપડા ખરીદવાના પૈસા નથી મારી મા પણ થિંગડા વાળા કપડાં પહેરે છે.આ શાળામાં તો મને RTE પ્રમાણે એડમિશન મળ્યું છે એટલે આ લિસ્ટ વાળી   ચીજવસ્તુઓ લેવાનું હું મારી માને કેમ કહું ? એ તો ખૂબ દુઃખી થઈ જશે.મારે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વમાં નથી જોડાવું .મારું નામ કાઢીને આપ અન્યને રાખી દો કેમ કે હું આ બધી વસ્તુઓ લાવી શકું એમ નથી.આવું કહી મીન્નિ ધ્રુસકે-ધ્રુસકે  રડવા  લાગી. શિક્ષક પણ ઉદાસ થઈ ગયા એમણે ઓફિસમાં જઈ આચાર્યને  વાત કહી કડક નિયમોમાં માનનાર અને અત્યારે પ્રોગ્રામને સફળ બનાવવાની મનવાંછના વાળાઆચાર્યશ્રી એ મીન્નિની  જગ્યાએ બીજી વિદ્યાર્થીનીને રાખી લીધી.શિક્ષક પણ સમસમી ગયા એમને તો કંઈ બોલવાનો મોકો મળ્યો જ નહીં .26 જાન્યુઆરી આવી ગઈ અને જયજયકારના નાદ સાથે શાળા ગૂંજી ઊઠી પાસેના ખેતરમા માં સાથે કામ કરતી મીન્નિ દેશભક્તિના ગીતો સાંભળી રહી ખેતરમાંથી જ દેખાતા ત્રિરંગાને એણે સલામી આપી આ જોઈને અભણ માની  આંખોમાંથી ત્રિરંગાની વચ્ચે દેખાઈ રહેલા અશોક ચક્ર જેવડા આંસુઓ ખરી પડ્યા ધ્વજવંદન થઇ ગયું ખેતરમાં પણ અને શાળામાં પણ....
                      -પૂર્વી લુહાર

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...