Sunday, July 12, 2020

શ્રી નગીનદાસ સંઘવી -શ્રદ્ધાંજલિ










ગુજરાતી લેખન-પત્રકારત્વમાં જેમનું અસાધારણ પ્રદાન છે એવા શતાયુ પ્રાધ્યાપક- લેખક - કટારલેખક અને વિચારક આદરણીય નગીનદાસબાપા સંઘવી એ અંતિમ શ્વાસ લીધા. 
સો વર્ષ વટાવી દીધા હતા છતાં તન-મનથી સંપૂર્ણ સ્વસ્થ... એકદમ ટટ્ટાર કાયા.
પ્રબુદ્ધ લેખક-વિચારક નગીનદાસના વિચારો અને લખાણ સાથે આપણે ભલે સહમત ન થઇએ પણ તેમના લેખમાં જે માહિતી હોય એ તથ્યાત્મક હોય. એમના લેખનમાં ગપ્પાબાજી નહોતી. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની ગજબની શક્તિ હતી. 
મને પણ ક્યારેક કોઇ દેશની રાજકીય ઘટનાની બહુ સમજ ન પડે તો એ વિશેનો એમનો લેખ વાંચું તો આખો ઘટનાક્રમ સમજાઇ જાય. દરેક વિષય પર એમણે વિપુલ લખ્યું. નગીનદાસ સંઘવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક પુસ્તક લખતા હતા, એ વખતે એમની ઇચ્છાથી નગીનદાસ સંઘવી સાથે ચાર કલાક બેઠો હતો, તે સમયે એમની આટલી ઉંમરે પણ તંદુરસ્તીનું રહસ્ય જાણવા મળ્યું. નિયમિત યોગ, ખાનપાનમાં સંયમ, સાદું-સંયમી અને શિસ્તબદ્ધ જીવનથી એ સદી વટાવી દીધી. એમની યાદ શક્તિ તીવ્ર હતી. એમના લખાણો વાંચીને તો લાગે જ નહીં કે આ સો વર્ષ વટાવી ચૂકેલો વ્યક્તિ લખે છે. 
સો વર્ષેય ટટ્ટાર ચાલે, મંચ પર ઊભા રહીને કલાક બોલી નાખે.
એમના લેખનમાં તાજગી રહેતી. વૈચારિક રીતે અમારે ઘણા મુદ્દે મતભેદ હતા, પણ મનભેદ નહોતા. જ્યારે મળ્યા ત્યારે ખૂબ પ્રેમ અને આત્મીયતાથી મળ્યા. અનેક વિષયો પર ફોન પર ચર્ચા થયા કરતી. કોઇ વિષયમાં કંઇક ખૂટતું કે માહિતી જોઇએ તો તરત ફોન કરે. 
ગુજરાતી વિદ્વાન સાહિત્યકાર દિનકર જોશી એ સાચું જ લખ્યું છે કે એ મહાભારત વિશે એક લેખ લખી રહયા હતા એમાં કશોક સંદર્ભ ખુટતો હતો. નગીનદાસ સંઘવીએ સુરતથી દિનકર જોશીને ફોન કર્યો, નકકી થયા પ્રમાણે નગીનદાસ સંઘવી સુરતથી જોગેશ્વરી અને ત્યાંથી દિનકર જોશીની ઓફિસ કાંદિવલી  આવ્યા.  પેલું પુસ્તક દુર્ભાગ્યે ઓફિસમાં નહોતું. ઘરે ગ્રંથાલયમાં પડયું હતું. 100 વરસના નગીનબાપા મુંબઈના ટ્રાફિકમાં સાંજ ઢળી ગઈ હોવાછતાં એકલા -એકલા  હરવા-ફરવામાં થાકયા નહોતા. દિનકર જોશીના ઘરે ગયા. પુસ્તક શોધ્યું  અને એમણે જરૂરી નોંધો કરી. એક લેખ લખવા માટે એક વાકયનો પણ સંદર્ભ ખુટતો હોય ત્યાં આવી સતર્કતા હવે કયાં જોવા મળશે?
કોઇ   વ્યક્તિના વિચારો સાથે આપણે સહમત હોઇએ  કે ન હોઇએ છતાં પણ એમની પાસેથી ઘણું શીખવા મળે, જાણવા મળે એવું અનોખું અને વિદ્વતાથી ભરપૂર વ્યક્તિત્વ નગીનબાપાનું  હતું. એમની સાથે કાયમ બહુ આત્મીય સંબંધ રહ્યો. એમના મૃત્યુથી દુ:ખની લાગણી અનુભવું છું...
અંતિમ પ્રણામ...-કે.મકવાણા.સાભાર

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી