Thursday, July 23, 2020

ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ કરવી ? -

ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ કરવી?
.
ગુરુવારે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયભરના નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓ સાથે  વર્ચ્યુઅલ મિટિંગ કરી. ગુજરાત સરકાર નવેમ્બર મહિના સુધી શાળાઓ શરૂ કરવાના મુડમાં દેખાતી નથી. ડૉ. કિરીટભાઈ જોશી, ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની, ડૉ. વિદ્યુતભાઈ જોશી, ગિજુભાઈ ભારડ તથા સંજયભાઇ રાવલ જેવાં વિદ્વાનો આ મિટિંગમાં ઉપસ્થિત હતા. આ તમામ વચ્ચે ૩૦% સિલેબસ ઘટાડવા માટે સંમતિ હોય તેવું દેખાઈ રહ્યું હતું. ડૉ. વિદ્યુતભાઈ જોશીએ દિવાળી અને નવરાત્રીના વેકેશનને ઘટાડીને બગડેલા દિવસોને ભરપાઈ કરી શકાય એવું એક સૂચન કર્યું હતું. સાથે સાથે તેમણે સૂચવ્યું હતું કે પ્રિ-પ્રાયમરી માટે આખી ટર્મ રદ કરવી જોઈએ તથા ધોરણ એકથી ચાર દિવાળી સુધી ચાલુ ન કરવા જોઈએ. ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ સૂચન કર્યું હતું કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જૂન ૨૦૨૧માં લેવામાં આવશે એવી આગોતરી ઘોષણા કરી દેવી જોઈએ જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે એક પ્રકારનો અનિશ્ચિતતાનો માહોલ છે તે દૂર થઈ જાય. ડૉ. કિરીટભાઈ જોશીએ ત્રણ શિફ્ટમાં શાળાઓ નવેમ્બર પછી શરૂ કરવી જોઈએ એવું સૂચન કર્યું. સંજયભાઇ રાવલે અંતરિયાળ ગામડાંઓ તથા ગરીબ વિસ્તારો કે જ્યાં મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટના પ્રશ્નો છે ત્યાં મોબાઈલ વાન શિક્ષણ આપે એવી વ્યવસ્થા કરવા અંગે સૂચિત કર્યું હતું.
.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારા પંદર દિવસની અંદર નિર્ણય લઈ લેવામાં આવશે એવું જાહેર કર્યું છે ત્યારે મારે તેમને કેટલાંક સૂચનો કરવા છે.
--------------
સૂચન એક 
પ્રિ-પ્રાયમરી
--------------
પ્રિ-પ્રાયમરી એટલે કે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી – આ ત્રણ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર સુધી શિક્ષણ બંધ રાખવામાં આવે. ત્યારબાદ બાકી રહેતી ટર્મમાં જેટલું અનિવાર્ય હોય તેટલું શિક્ષણ આપીને આ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં મોકલી આપવામાં આવે.
---------------------
સૂચન બે 
ધોરણ એકથી ચાર
---------------------
પ્રાયમરીના પહેલાં ચાર વર્ષ એટલે કે ધોરણ એકથી ધોરણ ચારના વિદ્યાર્થીઓને ૩૧ ડિસેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને દર પંદર દિવસે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. પંદર દિવસ પૂરા થાય એટલે વાલી પોતાના સંતાન સાથે એસાઇનમેન્ટ લઈને શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે અને તેમને બીજા પંદર દિવસનું એસાઇનમેન્ટ આપવામાં આવે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે નહીં અને શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે તે પહેલાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવે અને ત્યારબાદ જ તેઓને નિયમિત રીતે શાળામાં બોલાવવામાં આવે. 
.
જો આ દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
----------------------
સૂચન ત્રણ
ધોરણ પાંચથી આઠ 
----------------------
પ્રાયમરીના પછીના ચાર વર્ષ એટલે કે ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓને ૩૦ નવેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવા અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વાલી પોતાના સંતાન સાથે શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે. શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વાલી અને તેમનું સંતાન આવે તેને તપાસીને પરત આપવાનું રહેશે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ વધારે બગડશે નહીં અને વિદ્યાર્થીનો શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે.
.
જો અઠવાડિયા દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
----------------------------
સૂચન ચાર 
ધોરણ નવ અને દસ
ધોરણ અગિયાર અને બાર   
----------------------------
માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસ તથા ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને ઓકટોબર ૦૧, ૨૦૨૦થી નિયમિત શાળામાં અભ્યાસ શરૂ કરાવવામાં આવે. ૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે. ઓકટોબર ૦૧, ૨૦૨૦થી અભ્યાસ શરૂ કરતી વખતે સોશિયલ ડિસ્ટર્ન્સિંગ જાળવવા માટે ૬૦ના ક્લાસને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. પ્રથમ ચાર પિરિયડ ભાગ એકમાં લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ બેમાં છેલ્લા ચાર પિરિયડ લેવામાં આવે. તેવી જ રીતે ભાગ બેમાં પ્રથમ ચાર પિરિયડ લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ એકમાં છેલ્લા ચાર પિરિયડ તરીકે લેવામાં આવે. આવું કરવાથી શિક્ષણન સાતત્ય જળવાશે.
.
સપ્ટેમ્બર ૩૦ સુધી ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે સમય નક્કી કરીને બેચ પ્રમાણે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવાનું અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વિદ્યાર્થી શાળાએ જાય. શાળામાં જે તે વિષે શિક્ષક તેને ચેક કરીને લઈ લે. જે તે વિષય શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વિદ્યાર્થી આવે તેને પરત આપવાનું રહેશે. એસાઇનમેન્ટ સબમિટ કરવા આવે તે સમયે ધોરણ નવ અને દસના વિદ્યાર્થિની જેમાં તકલીફ હોય કે મૂંઝવણ હોય તે જે તે વિષય શિક્ષકે સોલ્વ કરવામાં મદદરુપ બનવાનું રહેશે.
.
જો અઠવાડિયા દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
-------------
સૂચન પાંચ 
-------------
આ પદ્ધતિ દાખલ કરીને શાળાકીય અભ્યાસને અસરકારક બનાવી શકાશે. રાજ્યના અંતરિયાળ ગામડાંઓ હોય કે ગરીબ વિદ્યાર્થીઓ – તમામને એક સરખું શિક્ષણ પ્રાપ્ત થશે. આ પદ્ધતિ દાખલ કર્યા પછી ઓનલાઈન ક્લાસીસ સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવે.
----------
સૂચન છ   
----------
ધોરણ દસ અને ધોરણ બારનો બોર્ડની પરીક્ષા માર્ચના પ્રથમ અઠવાડિયાને બદલે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવે. જૂનમાં નહીં.  કારણ કે જૂનમાં પરીક્ષા લેવામાં આવશે તો પરિણામ ઓગસ્ટ પહેલાં નહીં આવે. એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં બોર્ડની પરીક્ષાઓ લઈને મેના છેલ્લા અઠવાડિયામાં અથવા તો મોડામાં મોડું જુનના પ્રથમ અઠવાડિયામાં પરિણામ આપી દેવું જોઈએ. આમ થવાથી આગળના શૈક્ષણિક વર્ષમાં વિલંબ નહીં થાય.
--------------
સૂચન સાત   
--------------
૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે.
-------
અંતે
-------
મારી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવશ્રી, બોર્ડના અધ્યક્ષશ્રી, પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સચિવશ્રીઓ – તમામને આ રીતે વ્યવસ્થા ઊભી કરીને રાજ્યના શાળાના અભ્યાસને અસરકારક બનાવીને દેશમાં એક “આદર્શ મોડેલ” પ્રસ્તુત કરે એ જ અપેક્ષા.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...