Wednesday, July 8, 2020

આપણી સંસ્કૃતિને જાણીએ.,ખોરડાંની ખાસિયતો અને વિવિધ ભાગોની માહિતી નીચે પ્રમાણે છે......



આપણી સંસ્કૃતિને જાણીએ .......
આવો ભુલાતી જતી આપણી ભવ્યતાને ફરી યાદ કરીએ તળપદી સંસ્કૃતિને  ઓળખીએ.....

જુના વખતમાં ગામડાં માં રહેણાંક ના મકાનો *ખોરડાં* તરીકે ઓળખાતા  જે ગાર, માટી,ચુનો,વાંસ,દેશી નળીયા વગેરેથી બનાવવામાં આવતા  આ ખોરડાંની ખાસિયતો અને વિવિધ ભાગોની માહિતી નીચે પ્રમાણે છે.

૧,ખોરડું : કાચું ગાર-માટીની દીવાલવાળું, દેશી નળિયાં અને વાંસની પટ્ટીથી બનાવેલ રહેણાંક ...

૨,પછીત : ઘરની પાછળની દીવાલ ...

૩,કરો : જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ-સામી દીવાલ ....

૪,મોભ / મોભારુ : બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું ...

૫,ભડુ : એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે છે

૬,બારસાખ : મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે છે ...

૭,ઘોડલિયા : બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરતગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય ...

૮,પાણિયારુ : જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રસોડાની બહારની દીવાલમાં સ્થિત હોય છે પત્થર અથવા લાકડા થી બનાવેલ હોય છે.

૯,ખીંટી : ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય.

૧૦,નેજવું : છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે કે જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે.
૧૧,મોતિયું : નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું.

૧૨,ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી).

૧૩,વંડી : મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે 6થી 8 ફૂટ દીવાલ.

૧૪,માઢ ( માળ) / મેડી : ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર લેવામાં આવતો બીજો માળ.

૧૫,ગોખલા : વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા.

૧૬,છજુ : માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ ...

૧૭,ફળિયું : ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડાગામમાં ફળિયામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે.

૧૭,કોઢ : ફળિયામાં ગાય-ભેંસ કે બળદ બાંધવાની જગ્યા ...

૧૮,ગમાણ : ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા  ...

૧૯,પડથાર : ફળિયાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે.


No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી