"કરેણ"
દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nerium indicum Mill. syn. N. odoroum Soland. (સં. કરવીર મ. કણ્હેર; હિં. કનેર; બં. કરવી; ક. કણિગિલ, કણાગિલે; તે. કાનેરચેટ્ટુ, ગન્નરુ; તા. અલારિ, કરવીર; મલ. ક્વાવિરં; અં. ઇંડિયન ઓલીએન્ડર, સ્વીટ સેંટેડ ઓલીએન્ડર) છે. તે એક સદાહરિત ક્ષીરરસ ધરાવતો મોટો ક્ષુપ છે અને હિમાલયમાં નેપાળથી માંડી પશ્ચિમ તરફ કાશ્મીરમાં 1950 મી.ની ઊંચાઈ સુધી, ઉપરિ-ગંગાનાં મેદાનોમાં, મધ્યપ્રદેશમાં અને અન્ય રાજ્યોમાં પલાયન જાતિ (escape) તરીકે થાય છે. પર્ણો સાદાં, ભ્રમિરૂપ (whorled), રેખીય ભાલાકાર (linear-lanceo late), અણીદાર (acuminate) અને ચર્મિલ (coriaceous) હોય છે. પ્રકાંડની પ્રત્યેક ગાંઠ પર ત્રણ પર્ણો 120oના ખૂણે ગોઠવાયેલાં હોય છે. પુષ્પો સુગંધિત સફેદ, ગુલાબી કે લાલ રંગનાં હોય છે અને અગ્રસ્થ પરિમિત (cyme) પ્રકારે ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. ફળ એકસ્ફોટી (follicle) યુગ્મ પ્રકારનું અને 15 સેમી.થી 23 સેમી. લાંબું હોય છે. બીજ અસંખ્ય અને નાનાં હોય છે. તેમની ટોચ પર આછા બદામી રંગના રોમોનો રોમગુચ્છ (coma) જોવા મળે છે.
સમગ્ર ભારતનાં ઉદ્યાનોમાં તેના સુગંધિત અને સુંદર પુષ્પો માટે તેનો ઉછેર કરવામાં આવે છે. તેને વાડોમાં પણ ઉગાડવામાં આવે છે. તેનું પુષ્પનિર્માણ એપ્રિલથી જૂન સુધીમાં અથવા ઘણી વખત સમગ્ર વર્ષ દરમિયાન થાય છે. ફળનિર્માણ શિયાળામાં થાય છે.
આ વનસ્પતિના બધા જ ભાગો ઝેરી હોય છે. મૂળ, છાલ અને બીજ હૃદ્-સક્રિય (cardio-active) ગ્લાયકોસાઇડ ધરાવે છે.
કણેર : સફેદ કરેણ
છાલમાં સ્કોપોલેટિન અને સ્કોપોલિન, અલ્પ જથ્થામાં ટેનિન, ઘેરા લાલ રંગનું દ્રવ્ય, બાષ્પશીલ તેલ, સ્ફટિકમય મીણ (કાનોર્બિલ કૉક્સેરેટ), ફ્લોબેફિન અને પીળા રંગનું સ્થાયી તેલ મળી આવે છે.
કણેર : લાલ કરેણ
વનસ્પતિનાં મૂળ કડવાં અને ઝેરી હોય છે. તે કડવો ગ્લુકોસાઇડ, ફિનોલીય સંયોજન અને અલ્પ જથ્થામાં બાષ્પશીલ તેલ અને રાળયુક્ત (resionous) દ્રવ્ય ધરાવે છે. રાળયુક્ત દ્રવ્યમાંથી a-એમાયરિન સામે સામ્ય ધરાવતો આલ્કોહૉલ (C30H50O) મળી આવે છે. તેનો વિભેદક (resolvent) અને તનૂકારક (attenuant) તરીકે ઉપયોગ થાય છે. મૂળમાંથી બનાવેલો મલમ મસા અને ચાંદાં પર લગાડવામાં આવે છે. મૂળની છાલમાંથી મેળવેલા તેલનો ચામડીના રોગોમાં ઉપયોગ થાય છે. નેત્રશોથ(ophthalmia)માં અશ્રુસ્રાવ (lachrymation) પ્રેરવા પર્ણોનો તાજો રસ આંખોમાં નાખવામાં આવે છે. તેના સુંદર અને સુગંધિત પુષ્પો મંદિરોમાં ચઢાવાય છે. તેમનો હાર બનાવવામાં ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર, સફેદ કરણ તીખી, કડવી, તૂરી, તીક્ષ્ણ, ઉષ્ણવીર્ય અને ગ્રાહક હોય છે. તેનો મેહ, કૃમિ, કુષ્ઠ, વ્રણ, અર્શ અને વાયુમાં ઉપયોગ કરવામાં આવે છે; ખાવામાં આવે તો તે વિષ તરીકે કાર્ય કરે છે. તે નેત્રોને હિતાવહ, લઘુ અને વિષ, વિસ્ફોટક, કુષ્ઠ, કૃમિ, કંડૂ, વ્રણ, કફ, જ્વર અને નેત્રરોગનો નાશ કરે છે. લાલ કરેણ શોધક, તીખી, પાક વખતે કટુ અને લેપ કરવાથી કોઢનાશક છે. ગુલાબી કરેણ મસ્તકશૂળ, કફ અને વાયુનો નાશ કરે છે.
તેનો ઉપયોગ સર્પ, વીંછી વગેરેના દંશ પર, વિષમજ્વર, મૂળવ્યાધિ, રતવા, શિરોરોગ, વિસર્પરોગ, અર્ધાંગવાયુ, પક્ષાઘાત અને નપુંસકતામાં થાય છે. એક મત પ્રમાણે સફેદ કરેણની હૃદય પર ક્રિયા ડિજિટેલિસ જેવી પ્રબળ છે. ઘોડાને માટે ઝેર રૂપ હોવાથી તેને ‘હયમારક’ કહે છે.
હૃદયરોગ અને હૃદયોદરમાં કરેણ આપવાથી પેશાબ થાય છે અને હૃદયોદરની વેદના ઓછી થાય છે. તેનો ઉપયોગ હંમેશાં થોડી માત્રામાં ભોજન કર્યા પછી જ કરવો હિતાવહ છે. વધારે માત્રામાં તેનો ઉપયોગ કરવાથી શરીર ઠંડું પડે છે, નાડીના ધબકારા એકદમ ઓછા થઈ જાય છે, મરડો થાય છે અને હૃદય અને શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય છે.
પીળી કરેણ
અશ્વઘ્ન, દિવ્ય પુષ્પ, હરિપ્રિય, અશ્વમારક)નું વૈજ્ઞાનિક નામ Thevetia peruviana (pers.) Merrill syn. T. nerifolia Juss. ex steud. છે. તે પણ એપોસાયનેસી કુળની વનસ્પતિ છે. તે સદાહરિત, 4.5થી 6.0 મી. ઊંચો મોટો ક્ષુપ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની મૂલનિવાસી વનસ્પતિ છે. તે સમગ્ર ભારતનાં મેદાનો અને ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. પર્ણો સાદાં, એકાંતરિક 10 સેમી.થી 15 સેમી. લાંબાં, રેખીય અને અણીદાર હોય છે. પુષ્પો સુગંધિત, ચમકીલા પીળા રંગનાં કે ગુલાબી-પીળાં અને ઘંટાકાર (campanulate) હોય છે, અને અગ્રસ્થ પરિમિત સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, ત્રિકોણાકાર અને માંસલ હોય છે અને 2-4 બીજ ધરાવે છે.
તેનું પ્રસર્જન બીજ દ્વારા કે કટકારોપણથી થાય છે. તે કેટલેક અંશે શુષ્કતા અને હિમ સહન કરી શકે છે. ઢોરો કે બકરીઓ પીળી કરેણ ખાતાં નથી, તેથી તેનો વનીકરણમાં ઉપયોગ કરી શકાય છે.
તેનું કાષ્ઠ બદામી-ભૂખરું, પોચું કે મધ્યમસરનું સખત, રેસામય, હલકું અને મજબૂત હોય છે. કેટલીક વાર તેનો કુહાડીના હાથા બનાવવામાં ઉપયોગ થાય છે. તે માછલીઓ માટે ઝેરી છે.
વનસ્પતિના બધા જ ભાગો ક્ષીરરસ ઉત્પન્ન કરે છે; જે અત્યંત ઝેરી હોય છે. બે સ્રોતમાંથી મેળવેલા ક્ષીરરસનું રાસાયણિક વિશ્લેષણ અનુક્રમે આ પ્રમાણે છે :
કૂચુક (caoutchouc) 13.3 %, 9.7 %; રાળ 69.7 %, 67.4 %; અને અદ્રાવ્યો 17.0 %, 22.9 %. તેનો દાહ (sore) અને દાંતના દુ:ખાવામાં ઉપયોગ થાય છે. વનસ્પતિ ઘેરા રંગનો અદ્રાવ્ય ગુંદર ઉત્પન્ન કરે છે.
તેનાં મીંજ (kernel) સૌથી ઝેરી હોય છે. પીળી કરેણમાં હૃદ્-ગ્લાયકોસાઇડ સક્રિય ઘટકો છે. મીંજમાં પર્ણો, પ્રકાંડ, પુષ્પો કે ફળના ગર કરતાં લગભગ સાત ગણાં ગ્લાયકોસાઇડ હોય છે. તેના બીજમાંથી અલગ કરવામાં આવેલાં ગ્લાયકોસાઇડમાં સેર્બરોસાઇડ [થિવેટિન B (C42H66O18), 2′-0-એસિટિલ સેર્બરોસાઇડ (C44H68O19), નેરીફોલિન (C30H46O8), 2′-0-નેરીફોલિન [સેર્બરિન (C32H48O9)], થિવેટિન A [19-ઑક્સો-સર્બરોસાઇડ (C42H64O19)], પેરુવોસાઇડ [19-ઑક્સો-નેરીફોલિન (C30H44O9)], થિવેનેરીન કે રુવોસાઇડ [19-ઑક્સો-નેરીફોલિન (C30H46O9)] અને પેરુવોસિડિક ઍસિડ પેરુસિટિન(C30H44O10)]નો સમાવેશ થાય છે.
તેની છાલનું આલ્કોહૉલીય દ્રાવણ કડવું, વિરેચક અને વમનકારી (emetic) હોય છે. તેનો ઉપયોગ જ્વરઘ્ન (febrifuge) તરીકે થાય છે. વધારે માત્રામાં તે ઝેરી હોય છે. તેનાં પર્ણો પણ રેચક અને વમનકારી ગુણધર્મો ધરાવે છે. કેટલીક વાર પર્ણો સૂકવીને તેનું ધૂમ્રપાન કરવામાં આવે છે. મૂળમાંથી પ્લાસ્ટર બનાવી તેનો ઉપયોગ ચાંદા પર કરવામાં આવે છે. બીજનો ગર્ભપાતી (abortifacient) તરીકે અને સંધિવા (rheumatism) અને જલશોથમાં રેચક તરીકે અને વિષરોધી (alexiteric) તરીકે ઉપયોગ થાય છે. મીંજ ચૂસવાથી જીભ બહેરી બની જાય છે. બીજનો ક્વાથ તીવ્ર વમનકારી હોય છે અને શ્વસન અવરોધે છે; તેટલું જ નહિ હૃદય લકવાગ્રસ્ત બને છે. તેનો મસામાં સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. બીજ પ્રાણીઓને આપતાં તેઓમાં લાળસ્રવણ (salivation) અને કફોત્સારણ (expectoration) થાય છે અને સુસ્તી (drowsiness) આવે છે. સાબુના દ્રાવણ સાથે છૂંદેલાં બીજ કીટનાશક હેતુ માટે વપરાય છે. આદિવાસીઓ સખત અને લંબગોળ બીજનો અલંકાર માટે ઉપયોગ કરે છે.
પીળી કરેણની ઝેરી અસરો મુખ્યત્વે હૃદયવાહિનીતંત્ર (cardo vascular system) અને જઠરાંત્ર માર્ગ (gastrointestinal track) સાથે સંકળાયેલી છે. ઝેરની અસર દરમિયાન ઊલટી સામાન્ય ચિહન છે. પરિઘવર્તી રુધિરાભિસરણની નિષ્ફળતા મૃત્યુ તરફ દોરી જતું સૌથી ગંભીર અને તત્કાલીન કારણ છે. મહત્વના જૈવરાસાયણિક ફેરફારોમાં અલ્પસોડિયમરક્તતા (hyponatremia), અતિપોટૅશિયમરક્તતા (hyperpotassemia) અને અમ્લરક્તતા-(acidosis)નો સમાવેશ થાય છે. પીળી કરેણના વિષાક્તન(poisoning)ની ચિકિત્સા દરમિયાન જઠરમાં રહેલા ઝેરને કાઢવા માટે જઠર સાફ કરવામાં આવે છે અને ઝેરની અસરના નિવારણ માટે એટ્રોપિન આપવામાં આવે છે. ચિકિત્સાની એક પ્રણાલીમાં ગ્લુકોઝ, એટ્રોપિન, એડ્રિનાલિન અને નૉરએડ્રિનાલિન (જો જરૂરી હોય તો) અને બીજી પ્રણાલીમાં ગ્રામ અણુક (molar) લૅક્ટેટ કે લવણીય (saline) સોડિયમ બાઇકાર્બોનેટ અને બીટામિથેન અથવા હાઇડ્રૉકોર્ટિસોન (જો જરૂરી હોય તો) આપવામાં આવે છે.
મીંજમાંથી લગભગ 67 % જેટલું અશુષ્કન (non-drying) તેલ મળે છે. તેનો ઉપયોગ ત્વચાના દર્દો પર લગાડવામાં થાય છે.
પીળી કરેણ કરતાં સફેદ કરેણ વધારે ઘાતક છે.
No comments:
Post a Comment