Tuesday, August 23, 2022

ઉબટન એટલે શું? ઉબટનથી કરો ત્વચાની કાળજી.

 





@ ઉબટન એટલે શું?

ઉબટન=ફેસપેક

કેટલીક પ્રાકૃતિક ચીજોને એક નિશ્ચિત માત્રામાં મેળવીને જે લેપ તૈયાર કરાય છે. તેને ઉબટન કહે છે. ઉબટનનું ચલણ ઘણું પ્રાચીન છે. આપણા દાદી- નાની વગેરે વિવિધ પ્રકારના ઉબટનનો પ્રયોગ કરીને જ પોતાના સૌંદર્યને નિખારતી હતી કેમ કે તે વખતે બ્યૂટીપાર્લરો હતાં જ નહીં. પ્રાચીનકાળમાં પણ રાણીઓ- મહારાણીઓ અલગ- અલગ પ્રકારના ઉબટનોનો પ્રયોગ કરતી હતી. પુરાણકાળના ઉબટને જ આધુનિક ભાષામાં ફેસપેક કે ફેસ સ્ક્રબનું રૂપ લઈ લીધું છે.


@ ઉબટન પ્રયોગ


તમારી ત્વચાની પ્રકૃતિને જાણીને પછી જ કેટલીક સામગ્રીને મેળવીને સાફ ચહેરા પર સ્નાન કર્યા પહેલાં લગાવો. આ ઉપરાંત આખા શરીર પર કે પછી હાથ- પગ પર પણ આ લેપને હાથથી લગાવી લો અને થોડીવાર સૂકાવા માટે છોડી દો. જેવું થોડું ઘણું સૂકાવા લાગે કે પછી હાથથી ઘસીને કાઢી નાંખો. પછી સ્નાન કરી લો. ઉબટન લગાવ્યા પછી સાબુ લગાવવાની જરૂર રહેતી નથી કે ફેસવોશ વાપરવાની પણ જરૂર રહેતી નથી.


ઉબટનથી ત્વચા કાંતિમય બને છે. અને તેમાં ગજબનો નિખાર આવી જાય છે. એટલા માટે જ તો લગ્નના એક માસ પૂર્વેથી જ કન્યાને લગભગ રોજ ઉબટન લગાવાય છે. બસ, એટલું જ ધ્યાન રાખવાનું કે, ઉબટનમાં વપરાતી સામગ્રી તમારી ત્વચાને અનુકૂળ છે કે નહીં. જ્યારે ઉબટનને સ્ક્રબ કરો ત્યારે હળવે હાથે કરવું. નહીંતર ત્વચાને હાનિ પહોંચી શકે છે. માટે હળવા હાથે ગોળાકાર હાથ ફેરવતાં- ફેરવતાં ઉબટન કાઢવું.


@અનેક ફાયદા :


ઘરેલું ચીજોમાંથી બનનારા ઉબટનના અનેક ફાયદા હોય છે. જો એકવાર ઉબટન પ્રયોગ તમારી દિનચર્યામાં સામેલ કરી લેશો તો બજારનાં મોંઘા બ્યુટી પ્રસાધનો ખરીદીને પૈસા ખર્ચ નહીં કરવા પડે અને પરિણામ પણ ઉત્તમ મળશે. ઉબટન પ્રયોગથી ત્વચામાં ભેજ અને ચમક જળવાઈ રહે છે. તે મૃત ત્વચાને હટાવીને નવ તાજગી પ્રદાન કરે છે. ઉબટન પ્રયોગથી રક્તપરિભ્રમણ સારી રીતે થાય છે. કેમ કે ઉબટન પ્રયોગથી ત્વચાને માલિશ પણ થઈ જાય છે. ઉબટન ત્વચાના રંગમાં પણ નિખાર લાવે છે. કરચલીઓ, કાળાશથી ત્વચાને બચાવે છે.


મોટાભાગના ઉબટનોમાં હળદરનો ઉપયોગ કરાય છે. જેથી ત્વચા અનેક રોગોથી બચી શકે છે. અનેક લાભ હોવા છતાં પણ ઉબટનનો ઉપયોગ કાયમ ત્વચાને અનુરૂપ કરવો જોઈએ. જેમ કે સૂકી ત્વચા માટે ક્યારેય પણ ખાટા ફળો જેવાં કે સંતરાનો રસ કે લીંબુનો પ્રયોગ ન કરવો જોઈએ.


@ રંગત નિખારતા ઉબટન :


(૧) ૨ ચમચી મલાઈ, ૧ ચમચી બેસન, ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવો. ૧૦-૧૫ મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. રંગત નિખરવા લાગશે.


(૨) ૧ ચમચી અડદની દાળને કાચા દૂધમાં પલાળી દો, પછી પીસીને પેસ્ટ બનાવો. પછી તેમાં થોડું ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. થોડીવાર સૂકાવા દો. પછી ધીમે ધીમે ગોળાકારે ઘસતાં- ઘસતાં ઉતારી દો અને ચહેરો ધોઈ નાંખો. ત્વચા ચમકદાર બની જશે.


(૩) ૨ ચમચી બેસન, ૧ ચમચી સરસિયાનું તેલ અને થોડું દૂધ ભેળવીને પેસ્ટ બનાવી દો. આ ઉબટનને સમગ્ર શરીર પર લગાવી દો. થોડીવાર પછી હાથથી ઘસીને કાઢી નાંખો અને સ્નાન કરો. ત્વચા ગોરી અને મુલાયમ બની જશે.


(૪) મસૂરની દાળને પીસીને પાઉડર બનાવી લો. બે ચમચી દાળના પાઉડરમાં ઇંડાંની જરદી ભેળવીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ટીપાં લીંબુનો રસ અને એક મોટી ચમચી કાચું દૂધ મિક્ષ કરીને દરરોજ ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાંખી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરાનો રંગ નિખરી ઊઠશે.


(૫) એક મોટો ચમચો દહીં, એક મોટો ચમચો બેસન, ચપટી હળદર અને ૨-૪ ટીપાં લીંબુનો રસ ભેળવીને ગાઢો લેપ તૈયાર કરો. લેપને હાથ-પગ, ચહેરો અને આખા શરીર પર લગાવીને ૫-૧૦ મિનિટ રહેવા દો. પછી ધીમે ધીમે હાથથી ઘસીને કાઢો અને સ્નાન કરી લો.


(૬) ૧ ચમચી મુલતાની માટીના પાઉડરમાં થોડીક મલાઇ અને થોડાં ટીપાં ગુલાબજળનાં મીક્ષ કરીને પેસ્ટ બનાવી દો. એને ચહેરા પર લગાવીને સૂકાવા દો પછી ઠંડાપાણીથી ચહેરો ધોઈ નાંખો અને ચહેરાની રંગત જુઓ.


(૭) એક ચમચી રાઈને દૂધમાં મેળવીને બારીક પીસી લો, પછી ચહેરા પર લગાવો. રાઈના ઉબટનથી રંગમાં તો નિખાર આવશે, ત્વચામાં ચમક પણ જળવાઈ રહેશે.


(૮) દહીં ત્વચાની રંગત નિખારે છે. લીંબુથી તૈલીપણું ઓછું થાય છે. આ બંનેને મિલાવીને બનાવાયેલું ઉબટન ત્વચાને નિખારે છે. અને ચમકદાર બનાવે છે.


(૯) તડબૂચના બિયાં અને સિતાફળના બિયાંને સરખી માત્રામાં લઇને પીસી લો. પછી દૂધમાં મિલાવીને ચહેરા અને ગરદન પર લગાવો. થોડા દિવસોનાં નિયમિત પ્રયોગથી રંગત દેખાવા લાગશે.


(૧૦) એક બ્રેડની સ્લાઇસને થોડાં દૂધમાં પલાળીને ચહેરા પર લગાવીને રાખો. પાંચ મિનિટ પછી ઘસીને કાઢી નાંખો. તાજા પાણીથી ચહેરો ધોઈ લો. મૃત ત્વચાની જગ્યાએ શાનદાર ત્વચા બનવા લાગશે.


(૧૧) એક ચમચી ચણાનો લોટ કે બેસન, ચપટી હળદર. ૨-૩ ટીપાં લીંબુનો રસ અને થોડું કાચું દૂધ મિક્ષ કરીને લેપ બનાવી લો ને થોડાં દિવસો સુધી એનો પ્રયોગ ચહેરા કે સમગ્ર શરીર પર કરો. ત્વચા નિખરી ઊઠશે.


@ સૂકી ત્વચા માટે ઉબટન.


(૧) એક મોટી ચમચી ચોખાનો લોટ, એક નાની ચમચી મધ અને એક નાની ચમચી ઇંડાની સફેદ જરદીને મિક્ષ કરીને લેપ બનાવી લો. આ લેપને ૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો. પછી ચહેરો ધોઈ લો.


(૨) એક મોટી ચમચી જવનો લોટ, એક ઇંડાની જરદી, એક નાની ચમચી મધ અને થોડુંક દૂધ ભેળવીને ચહેરા પર લગાવો. ૧૦-૧૫ મિનિટ પછી ચહેરો ધોઈ લો.


(૩) એક મોટી ચમચી ચંદન પાઉડરમાં ગુલાબજળ મિક્ષ કરીને લેપ બનાવી દો. આ લેપને ૧૫-૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. પછી હળવા હાથે ઘસીને કાઢી નાંખો. અને ચહેરો ધોઈને સાફ કરી દો.


(૪) એક પાકા કેળાને મસળીને પેસ્ટ બનાવી દો. તેમાં થોડું મધ અને થોડાં ટીપાં લીંબુના રસના ભેળવીને ચહેરા પર ઘસો. ૫-૬ દિવસ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. એનાથી ચહેરામાં નિખાર તો આવશે જ. કરચલીઓ પણ દૂર થશે.


(૫) એક નાની ચમચી બદામનો પાઉડર, એક નાની ચમચી મલાઇ, એક મોટી ચમચી મસૂરની દાળની પેસ્ટ, ૩-૪ ટીપાં ગુલાબજળ અને ૨-૩ ટીપાં તેલના મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો. એને આખા શરીર પર કે ચહેરા પર લગાવો. થોડીવાર પછી કાઢી નાંખી, સ્નાન કરી લો. ત્વચા કાંતિવાન અને ચમકદાર બનશે.


@ તૈલીય ત્વચા માટે ઉબટન.


(૧) એક મોટી ચમચી જવના લોટમાં એક મોટી ચમચી સફરજનની પેસ્ટ મિક્ષ કરીને બનેલી પેસ્ટને ત્વચા પર લગાવો. ૧૫-૨૦ મિનિટ પછી ધોઈ લો.


(૨) સંતરાના છોતરાનો પાઉડર બે મોટી ચમચી લઈને તેમાં થોડું કાચું દૂધ અને ગુલાબજળ મિક્ષ કરીને ગાઢો લેપ તૈયાર કરો. આ ઉબટનને ચહેરા પર લગાવો ત્વચા કાંતિપૂર્ણ બની જશે.


(૩) એક મોટી ચમચી દહીં, એક નાની ચમચી કાકડીનો રસ બંનેને મિક્ષ કરીને ૧૦- ૧૫ મિનિટ ચહેરા પર લગાવેલો રાખો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો.


(૪) એક મોટી ચમચી ચંદન પાઉડર, એક નાની ચમચી લીમડા (કડવો)ના પાન, એક મોટી ચમચી ગુલાબની પાંખડીઓ, ચપટીભર હળદરના પાઉડરને મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર ૮-૧૦ મિનિટ સુધી લગાવીને રાખો. સૂકાઈ જાય પછી થપથપાવીને કાઢી નાંખો.


(૫) એક મોટી ચમચી જવનો લોટ, એક મોટી ચમચી ચણાનો લોટ, ચપટી હળદર, ૨-૪ ટીપાં લીંબુનો રસ, એક મોટી ચમચી ગુલાબજળ વગેરેને મિક્ષ કરીને લેપ બનાવો. આ લેપને શરીર કે ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાખીને સ્નાન કરો.


@ડાઘ-ધબ્બાવાળી ત્વચા માટે ઉબટન.


(૧) એક ગાંઠ તાજી લીલી હળદર, બે મોટી ચમચી મલાઇ, ૩-૪ ટીપાં ગલાબજળ, હળદરને છોલીને કાપીને પછી પીસી લો. એમાં મલાઇ અને ગુલાબજળ ભેળવીને ચહેરા પર થોડા દિવસો સુધી દરરોજ નિયમિતપણે લગાવો. ત્વચા પર નિખાર આવશે. સાફ સ્વચ્છ બનશે અને ડાઘ ધબ્બા જતાં રહેશે.


(૨) એક મોટી ચમચી લીમડા (કડવા)ના સૂકાં પાન બે મોટી ચમચી જવનો લોટ, બે ચમચી ચણાનો લોટ, બે મોટી ચમચી મુલતાની માટીનો પાઉડર, ૫-૭ ટીપાં મધ, ૪-૫ ટીપાં લીંબુનો રસ વગેરે મિશ્ર કરીને લેપ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. થોડાં દિવસોનાં પ્રયોગને અંતે ત્વચા સાફ-સ્વચ્છ દેખાશે. આ પેસ્ટને બનાવીને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખી શકાય છે.


@ સદાબહાર ઇન્સ્ટંટ ઉબટન.


દૂધનું વાસણ ખાલી થાય ત્યારે તેમાં ચપટી હળદર, ઘઉંનો લોટ અને ૨-૩ ટીપાં તેલ મિક્ષ કરીને પેસ્ટ બનાવી દો આ પેસ્ટને હાથ- પગ અને ચહેરા પર ઘસો. બરાબર સુકાઈ જાય પછી ઘસીને કાઢી નાંખો. આવું દરરોજ કરો અને તમારી રંગતમાં આવેલા બદલાવને જાતે જ જુઓ.



No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...